OCI એટલે કે ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા માટેના નિયમો બદલાયા હોવાના અહેવાલો વચ્ચે વિદેશ મંત્રાલયે શનિવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પ્રવર્તમાન નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, તાજેતરમાં એવા કેટલાક મીડિયા રિપોર્ટ્સ પબ્લિશ થયા છે કે જેમાં OCI કાર્ડ હોલ્ડર્સ પર અમુક નિયંત્રણો મૂકવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. જોકે, નિયમોમાં આવા કોઈપણ નવા ફેરફાર થયા હોવાનો ઈનકાર કરતા કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે OCI કાર્ડ હોલ્ડર્સ માટેના નિયમોનું ગેજેટ 04 માર્ચ 2021ના રોજ ઈસ્યૂ કરાયું હતું અને ત્યારથી નિયમોમાં કોઈ ફેરફાર નથી થયો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઘણા OCI કાર્ડ હોલ્ડર્સ એવી ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સાથે વિદેશીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમની એવી પણ ફરિયાદ હતી કે નિયમો અનુસાર તેમને જમ્મુ અને કાશ્મીર તેમજ અરૂણાચલ પ્રદેશ જેવા પ્રોટેક્ટેડ એરિયાની મુલાકાત લેવા માટે હવે પરમિશન પણ લેવી પડશે.